વિસનગર તાલુકાના કડા ગામે આવેલા સિકોતર માતાના મંદિરે અજાણ્યા ચોર ઈસમોએ રાત્રી દરમિયાન મોઢા પર કપડું બાંધી ચોરી કરવા આવ્યા હતા. મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચાંદીનુ મોટું છત્તર, ચાંદીના અગિયાર નાના છત્તર, ચાંદીની એક નાની પાદુકા મળી કુલ 13 નંગ આશરે 700 ગ્રામ ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકાના કડા ગામમાં નાયી સમાજના વહાણવટી સધી સીકોતર માતાનું મંદિર આવેલું છે. જે મંદિરના પૂજારી રાવલ જીતુભાઈ વિઠ્ઠલભાઈ નિત્યક્રમ મુજબ પૂજા કરી મંદિરને તાળું મારી ઘરે ગયા હતા. અમદાવાદ ખાતે રહેતા મંદિરના વહીવટકર્તા પરાગ કાંતિભાઈ શર્મા તેમના ઘરે હાજર હતા.
તે દરમિયાન ગામના દેવીપુજક સુનીલ સંપતભાઈ એ ફોન કરી મંદિરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરતા પરાગભાઈ એ ગામમાં રહેતા નાયી નીતિન રમેશભાઈ અને નાયી પ્રકાશને જાણ કરતા ગામના લોકો તેમજ પૂજારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતા મંદિરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું. જેમાં ચાંદીનું મોટું છત્તર તથા ચાંદીના અગિયાર નાના છત્તર તથા ચાંદીની એક નાની પાદુકા મળી કુલ 13 નંગ આશરે 700 ગ્રામ ચાંદી કિંમત રૂ. 40,000ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે આ બનાવ અંગે પરાગભાઈ એ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.