ખેડૂતોની માથેથી મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. આ વખતે ઉનાળામાં પણ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે કેરી, કપાસ, ઘઉં સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું છે, જેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવ્યો છે. ખેડૂતો વળતરની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.
5 દિવસ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદ થશે. આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. મહીસાગર, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતત છે.
સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો આવતી કાલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે.