વિસનગર તાલુકાના બાસણા ગામ પાસેથી એરંડાના ખેતરમાંથી એક 25 વર્ષીય યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીની લાશ મળી આવવાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી નામ નિશા અને તે વિસનગર તાલુકાના વાલમ ગામે રહેતી હોવાનું તેમજ મહેસાણા ખાતે એક મોલમાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી બે દિવસથી ગુમ હતી, જેની પરિવારજનો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ લાશ મળવાની જાણ થતાં પરિવાર પર આભ ફાટ્યું હતું. પોલીસે લાશને ફોરેન્સિક પી.એમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી છે. તેમજ આ બનાવ અંગે ચક્રો ગતિમાન કર્યાં છે. જેમાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
જેતપુર ગામની અને વિસનગર તાલુકાના વાલમ ગામે મોસાળમાં રહેતી યુવતી જે મહેસાણા ખાતે આવેલા એક મોટા મોલમાં નોકરી કરતી હતી. આ યુવતી સવારે નોકરી કરી સાંજે પરત ઘરે આવતી હતી, પરંતુ તારીખ 25 એપ્રિલે યુવતી સાંજે નોકરી પૂરી કરી ઘરે આવવા નીકળી હતી. ત્યારે તેની મમ્મી અને બહેન સાથે વાતચીત સમયે જ અચાનક ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. વારંવાર ફોન કરવા છતાં ફોન ન લાગતા સરપંચને જાણ કરી આ મામલે ગુમ થયા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ આજે સવારે બાસણા ગામ પાસેથી યુવતીની લાશ મળી આવી હોવાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મળેલી લાશને પી.એમ અર્થે મોકલી આ અંગે તપાસ હાથ ધરી હતી.
ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ગામમાં ખેતરમાંથી એક યુવતીની લાશ મળી આવેલ છે. સવારે વિસનગર પોલીસ સ્ટેશનને જાણવા મળેલું કે, અવાવરું ખેતરમાં એક યુવતીની લાશ પડેલી છે, જે નગ્ન હાલતમાં છે. જે આધારે અમે સ્થળ પર આવી તપાસ કરેલ તો યુવતીની લાશ જોવા મળેલી. એની ઓળખ બાબતે અમે સૌપ્રથમ પ્રયત્નો શરૂ કરેલા. એમાં એવું જાણવા મળેલું કે, યુવતી મહેસાણાના મોલમાં કામ કરતી હતી અને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં જ એનું ગામ આવેલું છે.
આ યુવતી સાથે કોઈ અણબનાવ બન્યો છે કે કેમ તે દિશામાં પણ અમે તપાસ આદરી છે. જેનું અમે અમદાવાદ ખાતે ફોરેન્સિક પી.એમ કરાવવાના છીએ. ફોરેન્સિક રિપોર્ટને આધારે અમે અમારાં ચક્રો ગતિમાન કરીશું. પરીક્ષણ કર્યું છે, પરંતુ અમને એવા કોઈ સબૂત મળી આવ્યા નથી પરંતુ એનું ફોરેન્સિક પી.એમ કરવામાં આવે ત્યારબાદ એની સાથે કોઈ દુષ્કર્મ થયું છે કે કેમ એ અંગે જાણવા મળશે તો આ કૃત્ય કોણે કર્યું છે તે શોધવા માટે ચક્રો ગતિમાન કરીશું.