પાણી પૂરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સતલાસણાથી હિંમતપુરા તરફ જતા રોડ પર પાણીના બગાડ થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી તૂટેલા વાલ્વમાંથી પાણી વહી રહ્યું હોવાની વાત સામે આવી છે.
ઉનાળો માથે છે ત્યારે આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. જે પહેલા જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી સર્જાવાની ફરિયાદો ઉઠી છે. મહત્વનુ છે કે સરકાર મોટા ઉપડે પાણી બચાવવાના નારા સાથે કામ કરી રહી છે પરંતુ સરકારના પોતાની જ યોજનાઓના નળમાં પાણી લીકેજ હોય તેવો ઘાટ સર્જાયો છે.
આ વચ્ચે સતલાસણાથી હિંમતપુરા જતા રોડ પર પાણીનો બગાડ થતો હોવાનું સામે આવ્યું છે. સતલાસણાથી હિંમતપુરા તરફ જતા રોડ પર ધરોઈની લાઈનનો વાલ્વ વર્ષોથી તૂટેલી હાલતમાં છે, જેમાંથી સતત પાણી વહેતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નર્મદાની આ લાઈનમાંથી છેલ્લા પાંચ વર્ષથી આ જ રીતે પાણી વહી રહ્યું છે, છતાં મહેસાણા પાણી પૂરવઠા વિભાગ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી.
આ અંગે સ્થાનિકોએ પાણી પૂરવઠા વિભાગનું ધ્યાન પણ દોર્યું છે, પરંતુ પાંચ વર્ષથી વિભાગ પાસે આ વાલ્વ રિપેર કરવાનો જાણે સમય ન હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ તંત્ર તરફથી પાણી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, બીજી તરફ આ રીતે પાણીનો વ્યય થઈ રહ્યો છે, પણ પાણી પૂરવઠા વિભાગના પેટનું પાણી હલતું નથી.. આ અંગે ત્વરિતે યોગ્ય કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માગ છે.