મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાસના ગામ પાસેથી એરંડાના ખેતરમાંથી એક 25 વર્ષીય યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી છે. યુવતીની હત્યા કર્યાની ઘટનાએ સમગ્ર મહેસાણા જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે હાલમાં ઘટનાને પગલે જિલ્લાની અલગ-અલગ પોલીસ એજન્સીઓ આરોપીઓને ઝડપવા કામે લાગી છે. બીજી બાજુ મહેસાણા અને વિસનગરમાં સામાજિક આગેવાનો અને પરિવાર દ્વારા યુવતીના હત્યા કરનારા આરોપીને ઝડપથી પકડવાની માગ સાથે રેલી યોજી સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
વિસનગર તાલુકાના બાસના ગામ પાસથી બે દિવસ અગાઉ એરંડાના ખેતરમાંથી એક 25 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસ અને પરિવારને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ આદરી હતી. જ્યાં યુવતીના પરિવારજનોએ ગઈકાલે અમદાવાદ સિવિલમાં હત્યારા ઝડપાયા બાદ જ લાશ સ્વીકારવાનો નિર્ણય કરાયો હતો, ત્યારે ઘટના પગલે આજે રેન્જ આઈ.જી અભય ચુડાસમા ઘટના સ્થળે આવી વિઝીટ કરી હતી. જ્યાં જિલ્લા પોલીસ વડા અને અન્ય પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા.