મહેસાણા શહેરના સીમાડા પર આવેલા વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરિંગ સેલના કાફલાએ ત્રાટકી જુગારની બાજી લઇ બેઠેલા બાજીગરોને રોકડ, મોબાઈલ અને વાહનો મળી ત્રણેક લાખના માલ સાથે ઝડપી લીધા હતા. જે પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
વીસનગર તાલુકાના ભાન્ડુ ગામે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે રેડ કરી જય બાબારી નાસ્તા હાઉસ પાછળ વડિયુ ગોચરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 15 ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે 4 ઈસમો ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઘટનાસ્થળેથી કુલ રૂ. 3,26,480નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ 15 તેમજ ફરાર ઈસમો મળી કુલ 17 ઈસમો વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જે પ્રકરણમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને બે જમાદાર સહીત ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હતા. જેના પગલે પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી.
ભાન્ડુ ગામના બહુ ચર્ચિત જુગાર પ્રકરણમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ પોલિસ ઇન્સ્પેક્ટર એન. પી. રાઠોડ તથા વાલમ આઉટ પોસ્ટના જમાદાર રાજુજી કુંવરજી તથા ડી-સ્ટાફના જમાદાર જગદીશભાઈ પ્રવીણભાઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસ આલમમાં ચકચાર મચી ગઈ હતી.