વિસનગર તાલુકા પોલીસે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું, કુલ રૂ. 42.60 લાખનો મુદ્દામાલ કબજે લીધો
વિસનગર તાલુકાના કડા ધરેડા સીમમાં કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ખાલી થઈ રહ્યો છે, તેવી બાતમી વિસનગર શહેર પી.આઇ એસ.એસ.નિનામાને મળતા તાલુકા પોલીસને સૂચના આપતા પોલીસે રેડ કરતા રાઠોડીપુરા ગોઠવા જતા ધરેડા નામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું આખું કન્ટેનર ઝડપી લીધું હતું. જેમાંથી પોલીસે 18,348 નંગ બોટલ કીંમત રૂ. 26,05,212 તેમજ રોકડ સહિત તમામ મુદ્દામાલ મળી કુલ રૂ. 42,60,712નો મુદ્દામાલ ઝડપી લઇ કુલ 5 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર શહેર પી.આઇ.એસ.એસ.નિનામાને બાતમી મળી હતી કે, એક કન્ટેનર નંબર MH.43Y.3633નું ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી રાઠોડીપુરાથી ગોઠવા તરફ જતાં રોડ પર ધરેડા નામની સીમમાં રહેતા ઠાકોર સંજયજી અરવિંદજી તેમજ ઠાકોર પ્રવિણજી સરતાનજી બન્ને ઇસમ એક બીજાના મેળાપીપનામાં પોતાના ઘર આગળ આવેલી ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી પેટીઓ ઉતારવાની કામગીરી કરી રહ્યા છે. તે આધારે તાલુકા પોલીસને સૂચના આપતા તાલુકા પોલીસે ઘટના સ્થળે જઈ રેડ કરતા કન્ટેનરમાંથી માલ ઉતારતા ઈસમો એકાએક ખેતરમાં ભાગવા લાગ્યા હતા. જેમાં પોલીસે ઇસમોને પીછો કરતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. તેમજ બીજા ઈસમો અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા.
જેમાં પોલીસે રેડ દરમિયાન ઠાકોર આકાશજી પ્રવિણજી, ઠાકોર પ્રવિણજી સરતાનજી, ઠાકોર સંજયજી અરવિંદજી તમામ (રહે.કડા, ધરેડા ગામની સીમ)ને ઝડપી લીધા હતા. જ્યારે ઠાકોર અલ્પેશજી પ્રવિણજી તેમજ વિહોલ અજયસિંહ ઘનશ્યામસિંહ (રહે. વડાસણ તા. વિજાપુર) ભાગી ગયા હતા.
પોલીસે રેડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 18,348 કીંમત રૂ. 26,05,212 તેમજ કન્ટેનરના કેબિનમાંથી રોકડ રૂ. 65 હજાર, એક સી.એન.જી રિક્ષા કીંમત રૂ. 50 હજાર, બે મોટરસાઈકલ કીંમત રૂ. 40,000 એક કન્ટેનર વાહન કીંમત રૂ. 15,00,000 લાખ, એક મોબાઈલ કીંમત રૂ. 500 મળી કુલ રૂ. 42,60,712નો મુદ્દામાલ કબજે ઝડપાયેલા ત્રણ ઈસમો તેમજ ભાગી જનાર બે ઈસમો મળી કુલ 5 શખ્સો વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.