કચ્છ.
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં સતત છઠ્ઠા દિવસે ઉનાળામાં ચોમાસાનો અહેસાસ થયો હતો. કચ્છમાં ઉનાળામાં પણ અષાઢી માહોલની જેમ છઠ્ઠા દિવસે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. જો કે બપોરના સમયે જિલ્લાના નખત્રાણા, ભૂજ, અંજાર અને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
જો માંડવી તાલુકાની વાત કરવામાં આવે તો, અહીંના કોડાય, મઉ, હમલા મંજલ, ગાંધીગ્રામ અને મોટી ભાડાઈમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે પાકી મોટી ભાડાઈમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક મકાનના છાપરા ઉડ્યા હતા. આ સાથે ઠેર-ઠેર વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3જી મે સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને પણ સાવચેતીના પગલા લેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.