મારો અવાજ ન્યૂઝ -શૈલેષ પરમાર,3/5/2023
વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે રેડ કરી રાજસ્થાનથી આવતા કેમિકલ ટેન્કરમાં સંતાડેલો ભારતીય
બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં પોલીસે ટેન્કરોમાં સંતાડેલા વિદેશી દારૂની બોટલ નંગ 16,871 કિંમત રૂ. 32.71 લાખ તેમજ દારૂ સહિત, ટેન્કર, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ. 42.81 લાખનો મુદ્દામાલ કબજે લઇ પોલીસે એક શખ્સને ઝડપી બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી ત્રણ શખ્સો વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કર્મીઓ અ. પો. કોન્સ.ગજેન્દ્રસિંહ પ્રવીણસિંહ,અ હેડ. કોન્સ કિરણભાઈ દેવાભાઇ,1 તારીખના રોજ રાત્રીના સમયે મહેસાણા જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, મહેસાણા ઉંઝા હાઇવે પરથી એક કેમિકલ ટેન્કરમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી રાજકોટ લઈ જવાનો છે. તે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઇ આર.બી. ઝાલા સહિત સ્ટાફે હાઇવે પર હોટલના પાર્કિગમાં જઈ તપાસ કરતા શંકાસ્પદ ટેન્કર મળી આવ્યું હતું.
જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ટેન્કરની તપાસ કરતા કેબિનમાં સૂઈ રહેલા એક શખ્સને જગાડી તેની પૂછપરછ કરતા તેને તેનું નામ હેમારામ ચિમારામ જાટ રહે. શિવકર દેવાનીયો કી ઢાણી, ધનેકા, બાડમેર હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેન્કરના ઢાંકણા ખોલી ટેન્કરમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ 16,871 મળી આવી હતી. પોલીસે આ અંગે ટેન્કરના ડ્રાઈવર હેમારામને પૂછતા આ દારૂ અને બિયર નરેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર રમનરામ જાટે ભરી આપ્યો હોવાનું અને આ માલ રાજકોટ ખાતે ઉતારવાનો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પાર્કિગમાં પડેલા ટેન્કરમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ વિદેશી દારૂની બોટલો નંગ 16,871 કિંમત રૂ. 32,71,425નો દારૂ અને બિયર, એક ટેન્કર કિંમત રૂ. 10,00,000, મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂ. 5000 તથા રોકડ રૂ. 5390 સહિત કુલ રૂ. 42,81,815નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જેમાં દારૂ ભરી લાવનાર ટેન્કર ચાલકને ઝડપી લઇ દારૂ ભરી આપનાર તેમજ દારૂ મંગાવનાર ઈસમો વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.