મહેસાણા એલસીબીની ટીમે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી. મહેસાણા મેવડ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન પોલીસને જોઈ ચાલકે ગાડી ભગાડી મુકી હતી. જે બાદ ખુલ્લામાં ગાડી મૂકી ભાગી ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
મહેસાણા એલસીબી ટીમને ખાનગી રીતે બાતમી મળી હતી કે HR26AR7981 નંબરની ગાડી પાલનપુરથી મહેસાણા તરફ આવી રહી છે. ગાડી પકડવા મહેસાણા એલસીબી ટીમે મેવડ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જેમાં ગાડી આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે યુ-ટર્ન મારી ગાડી ભગાડી મૂકી હતી અને મેવડના નેડિયામાં ગાડી ઘૂસાડી ખાનગી કંપનીના વેલ પાસે ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થયો હતો.
પોલીસે ક્રેન મારફતે ગાડી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ કરતા ગાડીમાંથી દારૂની 17 પેટીઓ અને છૂટી 199 બોટલ કે જેની કિંમત 81,393 રૂપિયા અને ગાડી મળી કુલ 1,81,393 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.