મારો અવાજ,
આ વર્ષે ચોમાસાના આગમન સાથે જ પહેલા વરસાદમાં અનેક તાલુકાઓમાં 20 થી 25 ઇંચ વરસાદ થતાં નાની સિંચાઇ અને માધ્યમ સિંચાઇના અનેક ડેમ ઓવરફ્લો થયા છે જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.
કચ્છ જિલ્લાની પોતાની ભૌગોલિક પરિસ્થિતિના કારણે કચ્છ જિલ્લાએ અનેક દુષ્કાળ જોયા છે. રણપ્રદેશ કચ્છમાં ભૂતકાળમાં લોકોએ ત્રણ ત્રણ વર્ષ સુધી દુષ્કાળવેઠ્યો છે પણ હવે અહીંની પરિસ્થિતિ બદલી છે. છેલ્લા થોડા વર્ષોથી જો સચરાચર વરસાદ ન થતું હોય તો દુષ્કાળ પણ આ જિલ્લાને જોવું પડ્યું નથી. ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન સાથે જ જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.
કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇના 20 ડેમો આવેલા છે અને નાની સિંચાઈના 170 ડેમો છે. જુલાઈ મહિનાની શરૂઆતથી જ કચ્છ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે અને રાજ્યમાં સૌથી વધારે વરસાદ સરહદી જિલ્લા કચ્છમાં વરસ્યો છે. જિલ્લામાં ચાલુ સીઝનમાં 99.44% જેટલો વરસાદ નોંધાયો છે. મધ્યમ સિંચાઇના 13 અને નાની સિંચાઇના 71 ડેમો છલકાઈ ચૂક્યા છે.
આ વખતે ચોમાસુ બેસતાની સાથે જ કચ્છમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. પહેલા જ વરસાદમાં મધ્યમ કક્ષાના કચ્છના 20 ડેમમાં 50 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થઈ ચૂક્યો છે. કચ્છની ખેતીવાડીને ઉનાળુ-શિયાળાના પાક માટે સિંચાઈ આપતા 20 મધ્યમ કક્ષાના જળાશયમાંથી 13 ડેમ તો છલકાઈ ગયા હતા. ખાસ કરીને જે વિસ્તારમાં હંમેશાં ઓછો વરસાદ પડે છે એવા અબડાસા અને લખપતના 5 મોટા ડેમ પ્રથમ વરસાદે ઓગની જતાં આવનારા આખા વર્ષ માટેના સારા સંકેત છે.
સિંચાઈ વિભાગના કન્ટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ કચ્છના મોટા ડેમો એવા અબડાસાના કંકાવટી, લખપતનો ગોધાતડ, લખપતનો સાનનધ્રો, અબડાસાનો જંગડીયા, અબડાસાના બેરાચિયા, લખપતનો ગજણસર અને મુન્દ્રા તાલુકાનો કારાઘોઘા ડેમ ઓગની ગયા છે. આ ડેમ અહીંની જન વસ્તીને પીવાનું પાણી પણ આખું વર્ષ આ પુરું પાડે છે. તસ્વીર :- રમેશ મહેશ્વરી, નખત્રાણા