મહેસાણા:-જિલ્લામાં ઠેર ઠેર ધમધમતા દેશી દારૂના અડ્ડા
પોલીસના પેટ્રોલિંગ અને સુરક્ષાના પોકળ દાવા વચ્ચે વર્ષોથી વકરી રહેલી બદી હટતી જ નથી
જાહેરમાં વેચાતો દારૂ છતાં હપ્તાખોર પોલીસના આંખ આડા કાન
સમગ્ર રાજ્યમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ મહેસાણા જિલ્લાના અનેક તાલુકાઓ સહિત શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી હોવાની અને બુટલેગરો દ્વારા દેશી દારૂ બનાવી તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે પરંતુ મહેસાણા , વિસનગર , બેચરાજી ,કડી, સતલાસણા, ખેરાલુ, વસાઈ, વિજાપુર, ગોજારિયા સહિતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને જાહેરમાં તેનું વેચાણ પણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારો એવાં છે જ્યાંથી સ્થાનિક પોલીસ સ્ટેશનો ખુબ જ નજીકના અંતરે હોવા છતાં બુટલેગરોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે અને બિન્દાસ દેશી દારૂ બનાવી તેનું વેચાણ થઈ રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનીક પોલીસ તંત્ર દ્વારા શહેરી વિસ્તારોમાં પેટ્રોલીંગ અને સુરક્ષાની વાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક દેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિઓ રોકવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે દેશી દારૂની ભઠ્ઠી સહિત તેના વેચાણ માટે નિયમીત બુટલેગરો દ્વારા પોલીસને મોટીરકમના હપ્તાઓ આપવામાં આવતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સામાન્ય રીતે દેશી દારૂ બનાવવામાં વપરાતો આથો સહિતનો મુદ્દામાલ ખુબ જ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવે છે અને અનેક પ્રક્રિયાઓ બાદ દેશી દારૂને ઉતારવામાં આવતો હોય છે ત્યારે આ પ્રકારના દેશી દારૂના વ્યસનથી યુવાધન સહિત અનેક પરિવારો બરબાદી તરફ જઈ રહ્યાં છે જેમાં આ વ્યસન બાદ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ઘરકંકાશ સહિતના નાના-મોટા ઝઘડાઓ બનતા હોય છે અને તેનો ભોગ સમગ્ર પરિવાર બને છે અગાઉ પણ જિલ્લામાં અનેક ગુન્હાખોરીના બનાવોમાં દેશી દારૂ કારણભુત હોવાનું બહાર આવ્યું છે.
શહેરની મધ્યમાં અમુક ભરચક અને રહેણાંક વિસ્તારોમાં દેશી દારૂ બનાવી તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. જ્યારે જિલ્લાના મહેસાણા,ઉઝા, ઉનાવા, વડનગર સહિતના તાલુકાઓમાં પણ ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. બુટલેગરો અને તેમનાં સાગરીતો દ્વારા જરૂરીયાત મુજબનો દેશી દારૂ બનાવવામાં આવતો હોય છે જેમાં સામાન્યથી લઈ વધુ નશો ચડે તે પ્રકારની અલગ-અલગ ક્વોલીટી ધરાવતો દેશી દારૂ પણ બનાવવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરો રૂા.૧૦ થી લઈ રૂા.૫૦, ૧૦૦ની કોથળીઓ અને વધુ જરૂરીયાત હોય તો દેશી દારૂનું પાંચ લીટરનું કેન પણ ભરી વેચાણ કરતાં હોવાનું બહાર આવ્યું છે જ્યારે અમુક દેશી દારૂની હાટડીઓ પર વ્યસનકારોને દેશી દારૂ સાથે બાઈટીંગ અને બેસવાની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે આમ જિલ્લામાં દેશી દારૂની બદીએ માઝા મુકી છે છતાં તંત્ર સબ સલામત હોવાના દાવાઓ કરી રહ્યું છે.
બૂટલેગરોને અગાઉથી જાણ કરી પોલીસ રેડ પાડે છે
જિલ્લામાં દેશી દારૂની હાટડીઓ અને વેચાણ બંધ કરવા સ્થાનિક આગેવાનો સહિત સામાજીક સંસ્થાઓ દ્વારા રજુઆતો કરવામાં આવે છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા રેઈડ અંગે અગાઉથી જ બુટલેગરોને જાણ કરી દેવામાં આવતી હોય છે અને રેઈડ પહેલા જ મોટી રકમનો મુદ્દામાલ સગેવગે કરી નાંખવામાં આવે છે જ્યારે પોલીસના ચોપડે માત્ર નજીવી રકમનો મુદ્દામાલ બીનવારસી ઝડપાય છે અને બુટલેગરોને ઈરાદાપૂર્વક ભગાડી દેવામાં આવતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પોલીસ સ્ટેશન નજીક હોય ત્યાં પણ દારૂ વેચાય છે
શહેરની મધ્યમાં અમુક રહેણાંક વિસ્તારો કે જ્યાંથી પોલીસ સ્ટેશન ખુબ જ નજીક હોવા છતાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રહેણાંક મકાનમાં અમુક મહિલા બુટલેગર દ્વારા પણ બિન્દાસ રીતે દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે…