મારો અવાજ,
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની વાતોએ જોર પકડ્યું છે, પરંતુ તે માત્ર રાજકીય અફવા સાબિત થઈ છે. જો કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ નવરાત્રી પછી ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓની અવરજવર વધી છે. આ દિશામાં કોંગ્રેસ ઉપરાંત AAPના નેતાઓ પણ ગુજરાતમાં આવવા લાગ્યા છે. ગુજરાતમાં 22 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ રાજકીય વર્તુળોએ એવું દર્શાવ્યું છે કે ચૂંટણી નવેમ્બરના મધ્યમાં યોજાઈ શકે છે. ટૂંકમાં કહીએ તો એકાદ મહિના પહેલાં ચૂંટણી થાય એમાં કોઈ નવાઈ નથી.
આ સિવાય ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને તે સમયે 71.20 ટકા મતદાન થયું હતું. ખાસ વાત એ છે કે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં પણ ચૂંટણી થવાની સંભાવના છે. આ ચૂંટણીમાં 4 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 18 લાખ યુવા મતદારો પણ પ્રથમ વખત મતદાનમાં ભાગ લેશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ પણ ગુજરાતની મુલાકાતે છે. મહાત્મા મંદિર ખાતે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મતદાર યાદી સુધારણાથી લઈને ચૂંટણી વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી. રાજ્યના તમામ કલેક્ટર અને અન્ય કર્મચારીઓને ચૂંટણી સંબંધિત તાલીમ આપવા દિલ્હીથી ચૂંટણી પંચના અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા છે.